દ્વારકા જિલ્લામાં આ વર્ષે ધોધમાર વરસાદ થયો છે. આ સીઝનમાં જિલ્લામાં પડેલા ભારે વરસાદે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. તો આ અતિવૃષ્ટિથી ખેડૂતો સહિત અનેક લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે જામ કલ્યાણપુર તાલુકામાં આવેલા રાવલ ગામની સ્થિતિ વધારે ખરાબ છે. આ ગામમાં ભારે વરસાદને કારણે આશરે છેલ્લા દોઢ મહિનાથી પાણી ભરાયા છે. અહીં ચાર-પાંચ વખત તો પૂરની સ્થિતિ બની છે. એક તરફ વરસાદ અને બીજીતરફ ડેમમાંથી છોડાતા પાણીને કારણે ગામ લોકો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે સરકારનું ધ્યાન દોરવા માટે અનોખી તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી.

ગામ લોકોએ નોંધાવ્યો અનોખો વિરોધ
છેલ્લા દોઢ મહિનાથી ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની હાલત કફોડી બની છે. હવે તેમની ધિરજ ખુટવા લાગી છે. તંત્ર પણ કોઈ કામગીરી કરતું નથી. તો ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોએ મોટુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર તથા ઉંઘતા તંત્રનું ધ્યાન દોરવા માટે ખેડૂતો અને ગામના ભરેલા પાણીમાં અનોખી તરણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ગામમાં 4થી 6 ફુટ ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને વિજેતાને ઈનામમાં લોલીપોપ આપવામાં આવ્યો હતો.

ખેતરોમાં પાણી-પાણી, ખેડૂતો બેહાલ
મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દોઢ મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યાં આ સીઝનમાં થયેલા વરસાદે નવા રેકોર્ડ બનાવી દીધા છે. તો રાવલ ગામમાં આવેલા ખેતરોમાં છેલ્લા ઘણા સમયથી ચાર ફુટ કરતા પણ વધુ પાણી ભરાયેલા છે. પાક નિષ્ફળ જઈ રહ્યો છે. તો તંત્ર પણ ખેડૂતોની રજૂઆત સાંભળી રહ્યું નથી.

આ સીઝનમાં આઠમી વખત બેટમાં ફેરવાયું ગામ
એક તરફ ભારે વરસાદથી રાવલના લોકો પરેશાન છે. તો બીજી તરફ સાની ડેમ, સોરઠી ડેમ અને વર્તુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાવલ ગામ આ સીઝનમાં આઠમી વખત ડેમમાં ફેરવાયું છે. ગામના બસ સ્ટેન્ડ સહિત દરેક જગ્યાએ પાણી-પાણી જોવા મળી રહ્યું છે. રાવલ તરફ જતા માર્ગ પણ બંધ થઈ ગયા છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *